Kailash Mansarovar Yatra : કૈલાશ માનસરોવરની યાત્રા ધાર્મિક જ નહીં પરંતુ ખૂબ જ રોમાંચક પણ છે. કૈલાશ માનસરોવરની યાત્રા દ્વારા અત્યાર સુધી તીર્થયાત્રીઓને કૈલાશ પર્વતના દર્શન કરવા માટે પાડોશી દેશ ચીન જવું પડતું હતું, પરંતુ હવે તેઓ ભારતથી જ કૈલાશ પર્વતના દર્શન કરી શકે છે. આ સાંભળ્યા બાદ મનમાં પહેલો સવાલ એ આવે છે કે ભારતમાંથી કૈલાશ પર્વતના દર્શન કેવી રીતે કરી શકાય. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં સ્થિત જૂના લિપુલેખ શિખર પરથી તમે કૈલાશ પર્વતની સાથે ઓમ પર્વતના પણ દર્શન કરી શકો છો.
યાત્રાળુઓની પ્રથમ બેચમાં સામેલ લોકોએ 3 ઓક્ટોબરે જૂના લિપુલેખ શિખર પરથી કૈલાશ પર્વતના ભવ્ય દર્શન પણ કર્યા છે. સાથે તેમણે ઓમ પર્વત પણ નીહાળ્યો હતો. આ પછી તેઓ આદિ કૈલાશની યાત્રાએ નીકળી ગયા છે. આ વર્ષે જુલાઈમાં ઉત્તરાખંડ સરકારે કહ્યું હતું કે શિવભક્તો 15 સપ્ટેમ્બરથી ભારતીય સરહદની અંદર સ્થિત 18,300 ફૂટ ઉંચા જૂના લિપુલેખ પાસથી તિબેટમાં સ્થિત પવિત્ર કૈલાશ પર્વતના દર્શન કરી શકે છે.
કૈલાશ માનસરોવર યાત્રા 5 વર્ષથી બંધ હતી
કોરોના કાળના કારણે કૈલાશ માનસરોવર યાત્રા છેલ્લા 5 વર્ષથી બંધ હતી અને ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે તેમને કૈલાશ માનસરોવર જોવાની તક ક્યારે મળશે. આ વર્ષે જ્યારે કૈલાશ માનસરોવરની યાત્રા શરૂ થઈ ત્યારે કૈલાશ પર્વતના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા.
તીર્થયાત્રીઓની પ્રથમ ટુકડીમાં સામેલ નીરજ મનોહર લાલ ચૌકસે અને મોહિની નીરજ ચૌકસે કૈલાશ પર્વતના દર્શન કરીને બાદ ભાવવિભોર થઇ ગયા હતા. નીરજ ચૌકસેએ ભારતથી દર્શન કરવા બદલ સરકારનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તે શિવ ભક્તો માટે વરદાનરૂપ સાબિત થશે. ચંદીગઢના અમનદીપ કુમાર જિંદાલ પોતાને નસીબદાર માને છે કે સ્વચ્છ હવામાનને કારણે તેમણે જૂના લિપુલેખથી કૈલાશ પર્વતના દર્શન થયા હતા.
કેવી રીતે મળી આ જગ્યા?
સવાલ એ છે કે કૈલાશ પર્વતના દર્શન માટે જૂના લિપુલેખમાં આ જગ્યા કેવી રીતે મળી. ઉત્તરાખંડ ટૂરિઝમ, બીઆરઓ અને આઇટીબીપીની ટીમે થોડા મહિના પહેલા આ સ્થળની શોધ કરી હતી. આ પછી ઉત્તરાખંડ પર્યટન વિભાગે કૈલાશ પર્વત, આદિ કૈલાશ અને ઓમ પર્વતના દર્શનના પેકેજની શરૂઆત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
ઉત્તરાખંડ પર્યટન વિભાગને ભારતની ધરતી પરથી કૈલાશ પર્વત, આદિ કૈલાશ અને ઓમ પર્વતના દર્શન કરાવવામાં સફળતા મળી છે, કૈલાશ પર્વતની યાત્રા કરવા ઈચ્છતા તમામ લોકો માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે.
સરકારે 5 દિવસનું ટૂર પેકેજ શરુ કર્યું
ઉત્તરાખંડ વિકાસ પરિષદની પહેલથી પરકુમાઉ મંડલ વિકાસ નિગમ (કેએમવીએન)એ 5 દિવસનું ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. આ પેકેજમાં શ્રદ્ધાળુઓને કૈલાશ પર્વત, આદિ કૈલાશ અને ઓમ પર્વતના દર્શન કરાવવામાં આવે છે. આ પેકેજ અંતર્ગત પ્રથમ પાંચ સભ્યોની ટીમે ગુરૂવારે કૈલાશ પર્વતના દર્શન કર્યા હતા. આ તીર્થયાત્રીઓને બુધવારે હેલિકોપ્ટર દ્વારા પિથોરાગઢના ગુંજી ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને રોડ માર્ગે જૂના લિપુલેખથી ઓમ પર્વત અને કૈલાશ પર્વતના દર્શન કરાવ્યા હતા.
ધર્મ શાસ્ત્રો શું કહે છે?
ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન શિવના પાંચ નિવાસ સ્થાન છે, જેમાંથી ત્રણ – કિન્નૌર કૈલાશ, મણિ મહેશ અને શ્રીખંડ મહાદેવ હિમાચલ પ્રદેશમાં છે, આદિ કૈલાશ ઉત્તરાખંડમાં છે અને કૈલાશ પર્વત ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં સ્થિત છે. કૈલાશ પર્વત હિમાલયના સૌથી ઊંચા શિખરોમાંનું એક છે. આ પર્વત હિંદુ ધર્મ ઉપરાંત બૌદ્ધ, જૈન ધર્મના અનુયાયીઓ માટે પણ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે.
હિન્દુ ધર્મમાં આસ્થા રાખનાર લોકોનું માનવું છે કે કૈલાશ માનસરોવર તળાવની રચના ભગવાન બ્રહ્માએ કરી હતી અને આ તળાવમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે. જ્યારે કૈલાશ પર્વતને બૌદ્ધ ધર્મમાં મેરુ પર્વત કહેવામાં આવે છે અને બૌદ્ધ બ્રહ્માંડશાસ્ત્રમાં પણ તેનું મહત્વનું સ્થાન છે. બૌદ્ધ ધર્મગ્રંથો અનુસાર બુદ્ધના જન્મ પહેલા રાણી માયાને દેવતાઓએ આ તળાવના પાણીથી સ્નાન કરાવ્યું હતું.
કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન ઘણા યાત્રીઓ પવિત્ર ગૌરીકુંડ જાય છે અને ભગવાન શિવ અને દેવી પાર્વતીના મંદિરમાં આશીર્વાદ લે છે. કૈલાશ માનસરોવર યાત્રા ચોક્કસ રોમાંચક છે. આ એક આધ્યાત્મિક યાત્રા પણ છે જે મુસાફરોને અદભૂત કુદરતી દ્રશ્યો અને પવિત્ર સ્થળોના દર્શન કરાવે છે.
તમે ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં સ્થિત કાઠગોદામ અથવા દિલ્હીથી તમારી યાત્રા શરૂ કરી શકો છો અને પિથોરાગઢ, ધારચુલા, ગુંજી અને નાબીમાં રોકાઈ શકો છો. કેએમવીએન પણ આદિ કૈલાસ યાત્રા માટે જરૂરી વ્યવસ્થા કરે છે. ધારચુલાથી શરૂ થનારી આ યાત્રામાં બરફથી ઢંકાયેલા શિખરો, સુંદર ખીણો અને સરોવરોનો નજારો જોવા મળે છે. યાત્રાળુઓને સ્થાનિક સંસ્કૃતિઓ સાથે ભળી જવાની અને ગામોના લોકો સાથે વાતચીત કરવાની તક પણ મળે છે.
Post a Comment