Gold Buying Tips: સોનું રોકાણ કરવા માટે લોકપ્રિય સ્ત્રોત છે. ભારતમાં ધનતેરસ, દિવાળી, અખાત્રીજ જેવા તહેવારો અને લગ્ન પ્રસંગોમાં સોનું ચાંદી ખરીદવાની પરંપરા છે. સોનાના ભાવ સતત ઐતાહિસક ટોચે પહોંચતા સામાન્ય લોકો માટે ખરીદવું મુશ્કેલ બની ગયું છે. હાલ ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત 78000 રૂપિયા બોલાઇ રહી છે. જો તમે આ સિઝનમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખો. જેથી તમે નકલી, ભેળસેળવાળું સોનું ખરીદવાથી બચી શકો.
સોનાની શુદ્ધતા તપાસ
સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે. સોનું ખરીદતી વખતે શુદ્ધતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે શુદ્ધ સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તે 24 કેરેટ હોવું જોઇએ. જો કે, તમને 100 ટકા શુદ્ધ સોના માંથી બનેલા ઘરેણાં નહીં મળે. કારણ એ છે કે સોનું ખૂબ નરમ છે, આથી 24 કેરેટ સોનાના દાગીના બની શકતા નથી. જો કે 24 કેરેટ શુદ્ધ સોનાની લગડી અને સિક્કા ખરીદી શકાય છે. 24 કેરેટ સોનું શુદ્ધ છે જ્યારે 22 કેરેટ સોનામાં અમુક પ્રમાણમાં અન્ય ધાતુઓ મિક્સ કરવામાં આવે છે. સામાન્ય રીતે સોનાના દાગીના બનાવવા 22 કેરેટ અથવા 18 કેરેટ સોનું વપરાય છે. ભારતમાં, 22 કેરેટ સોનાના દાગીનાને સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ શુદ્ધ ગણવામાં આવે છે.
હોલમાર્ક વાળું સોનું ખરીદો
સોનું ખરીદતી વખતે હોલમાર્ક અવશ્ય ચકાસો. ભારતમાં મોટાભાગના લોકો સોનું ખરીદતી વખતે હોલમાર્કને નજર અંદાજ કરે છે, જો કે તમે આવું ન કરો. સોનું ખરીદતા પહેલા હોલમાર્કની ખાતરી કરો. હોલમાર્ક સરકારી ગેરંટી છે. જે ભારતની એકમાત્ર એજન્સી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા નક્કી કરવામાં આવે છે. BIS હોલમાર્ક સોનાની શુદ્ધતાની ખાતરી આપે છે. તેથી હોલમાર્ક વગરના સોનાના સિક્કા કે દાગીના ખરીદવા નહીં. સોનાનો સિક્કો ખરીદતી વખતે એ પણ તપાસો કે તે BIS સર્ટિફાઇડ છે કે નહીં.
સોનામાંથી બનેલી કોઇ પણ વસ્તુ પર આ 5 માર્ક હોય છે – BIS લોગો, શુદ્ધતા દર્શાવતા 22 કેરેટ અથવા 916 નંબર, એસેઇંગ અથવા હોલમાર્કિંગ સેન્ટરનો લોગો, હોલમાર્કનું વર્ષ અને જ્વેલર્સ આઈડેન્ટિફિકેશન નંબર. BIS દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે માત્ર 22, 18 અને 14 કેરેટ સોનાના દાગીના પર જ હોલમાર્ક કરશે. આ નિયમ 1 જાન્યુઆરી 2017થી અમલમાં આવ્યો છે.
સોનાના દાગીનાનો મેકિંગ ચાર્જ
સોનાના દાગીના બનાવતી વખતે તેના પર કરવામાં આવેલા કારીગીરી પ્રમાણે મેકિંગ ચાર્જ લેવામાં આવે છે. સોનાના દાગીના બનાવવાનું કામ જેટલું જટિલ છે, તેટલો મેકિંગ ચાર્જ વધારે લાગે છે. તહેવારો દરમિયાન માંગ વધુ હોય છે, જેનો લાભ લઈને કેટલાક ઝવેરીઓ નાના ઘરેણાં માટે પણ ભારે જ્વેલરી જેટલો જ ચાર્જ વસૂલે છે.
મોટાભાગના ગ્રાહકો પાસે સમય ઓછો હોય છે અને તેઓ સારી જ્વેલરી ઇચ્છતા હોય છે, તેથી તેઓ વધારે સોદાબાજી કર્યા વિના જ્વેલર દ્વારા બોલવામાં આવેલા મેકિંગ ચાર્જ ચૂકવવા તૈયાર થઇ જાય છે. પરંતુ યોગ્ય બાબત એ છે કે મેકિંગ ચાર્જ અંગે તમે જેટલી કરી શકો તેટલી સોદાબાજી કરો.
સોનાના સિક્કા ઓછામાં ઓછા 0.5 ગ્રામ વજન સુધીના ખરીદી શકો છો અને તેથી તેમના પર મેકિંગ ચાર્જ જ્વેલરીની તુલનામાં ઓછો હોય છે. સોનાના સિક્કા પર ચાર્જ 4 ટકાથી 11 ટકા સુધી હોય છે, જ્યારે ગોલ્ડ જ્વેલરી પર 8 થી 10 ટકા સુધી મેકિંગ ચાર્જ લાગે છે.
ગોલ્ડ કોઇનના પેકિંગ અંગે સાવધાન રહો
સોનાના સિક્કા ટેમ્પર પ્રૂફ પેકેજિંગમાં આવે છે. ટેમ્પર પ્રૂફ પેકેજિંગ એ સુનિશ્ચિત કરે છે કે સિક્કાની શુદ્ધતા અકબંધ રહે. તેથી, સોનાનો સિક્કો ખરીદતી વખતે, ધ્યાનમાં રાખો કે સિક્કો ટેમ્પર પ્રૂફ પેકેજિંગમાં હોવો જોઈએ. જો તમે તેને પછીથી વેચવા માંગો છો, તો તમારે સમાન પેકેજિંગ જાળવી રાખવું પડશે.
સોનાના દાગીનાનું બિલ લેવાનું ભૂલશો નહીં
સોનું ખરીદતી વખતે, તેનું પાક્કું બિલ લેવાની ભૂલશો નહીં. ઘણા લોકો જાણીતી દુકાનમાંથી ખરીદી કરતી વખતે બિલ પર ધ્યાન આપતા નથી, જે સારી બાબત નથી. તમે જ્યાંથી સોનું ખરીદી રહ્યા છો, તેનું પાકું બિલ લેવાનું ભૂલશો નહીં. એ પણ ધ્યાનમાં રાખો કે તેમાં ખરીદેલી જ્વેલરી, મેકિંગ ચાર્જ અને દુકાનદાર વગેરેની સંપૂર્ણ વિગતો હોવી જોઈએ. બિલ બનાવતી વખતે જ્વેલર દ્વારા બિલ પર લખેલી સોનાની શુદ્ધતા અને કિંમત જરૂર લખાવો. સોનું પર હોલમાર્ક છે કે નહીં તેની ખાતરી કરો.
સોનું ખરીદતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો
છેલ્લું અને સૌથી અગત્યનું, સોનાની ખરીદીનું માળખું સમજો, ખરીદી વખતે સોના ની કિંમત, શુદ્ધતા અને મેકિંગ ચાર્જ વિશે માહિતી મેળવો. સોનાના દાગીના ખરીદતી વખતે, મેકિંગ ચાર્જ વિશે ચોક્કસપણે પૂછપરછ કરો. આ ચાર્જ એકસમાન નથી અને દરેક જ્વેલરનો મેકિંગ ચાર્જ અલગ અલગ હોઈ શકે છે.
- સોનાના ભાવમાં દરરોજ વધઘટ થાય છે, તેથી કિંમતી ધાતુ ખરીદતા પહેલા, તે દિવસની સોનાની કિંમત ચોક્કસપણે તપાસો.
- સોનું ખરીદતા પહેલા બજેટ નક્કી કરો અને તેને વળગી રહો. ઉત્સાહમાં આવી ખરીદી કરવાનું ટાળો, જેનાથી વધુ પડતો ખર્ચ થઈ શકે છે
- આપણે જાણીએ છીએ કે સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે અને 22 કેરેટ સોનાની કિંમત 24 કેરેટ સોના કરતાં ઓછી છે. સામાન્ય રીતે, જ્વેલરી બનાવવામાં 22 કેરેટ સોનું અથવા તેનાથી ઓછી શુદ્ધતાના સોનાનો ઉપયોગ કરવામાં આવે છે, આવા કિસ્સામાં 22 કેરેટ સોનાની કિંમત 24 કેરેટ સોના કરતાં ઓછી હોય છે.
Post a Comment