neeraj chopra mother : શારદીય નવરાત્રી 3 ઓક્ટોબર 2024થી શરૂ થઈ રહી છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એથ્લેટ્સ નીરજ ચોપડાની માતા સરોજ દેવીને ભાવુક પત્ર લખ્યો છે. આ પત્રમાં પીએમ મોદીએ નીરજના હાથે ઘરે બનાવેલું ચુરમુ મોકલવા બદલ સરોજ દેવીનો આભાર વ્યક્ત કર્યો હતો. ચુરમુ એક ખાસ સ્વાદિષ્ટ વાનગી છે જે નીરજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 2024 ના પેરિસ ઓલિમ્પિક્સ પહેલા એથ્લેટ્સ સાથેની વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન લાવવાનો વાયદો કર્યો હતો.
ચુરમુ મળ્યા બાદ પીએમ મોદીએ સરોજ દેવીને પત્ર લખીને જણાવ્યું કે કેવી રીતે તેમના પકવાનનો સ્વાદ પોતાની માતાની યાદ અપાવે છે. તેમણે આ ભાવ પાછળની હુંફ અને પ્રેમની પણ પ્રશંસા કરી અને તેનાથી બનેલા વ્યક્તિગત સંબંધને સ્વીકાર કર્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાની માતાને લખ્યો પત્ર
આદરણીય સરોજ દેવી જી, સાદર પ્રણામ, આશા છે કે તમે સ્વસ્થ, સુકુશળ અને આનંદિત હશો. ગઈકાલે જમૈકાના પ્રધાનમંત્રીની ભારત યાત્રાના અવસર પર આયોજિત ભોજન સમારંભમાં મને ભાઈ નીરજને મળવાની તક મળી. ત્યારે ચર્ચા દરમિયાન મારી ખુશી ત્યારે વધી ગઇ, જ્યારે તેમણે મને તમારા હાથે બનાવેલું સ્વાદિષ્ટ ચુરમુ આપ્યું.
આજે આ ચુરમુ ખાધા પછી તમને પત્ર લખવાથી હું રોકી ના શક્યો. ભાઈ નીરજ ઘણીવાર મારી સાથે આ ચુરમાની ચર્ચા કરે છે, પરંતુ આજે હું તેને ખાધા પછી ભાવુક થઈ ગયો. તમારા પ્રેમ, સ્નેહ અને પોતાનાપણાથી ભરેલી આ ભેટે મને મારી માતાની યાદ અપાવી દીધી.
માતા શક્તિ, નિષ્ઠા અને સમર્પણનું પ્રતીક હોય છે. આ સંયોગ છે કે મને નવરાત્રી પર્વના એક દિવસ પહેલા જ માતાનો આ પ્રસાદ મળ્યો છે. હું નવરાત્રીના આ 9 દિવસ દરમિયાન ઉપવાસ રાખું છું. એક રીતે જોવા જઈએ તો તમારું આ ચુરમુ મારા ઉપવાસ પહેલા મારો મુખ્ય ખોરાક બની ગયો છે.
જેમ તમારું ભોજન ભાઈ નીરજને દેશ માટે મેડલ જીતવાની શક્તિ આપે છે. તેવી જ રીતે આ ચુરમુ મને આગામી 9 દિવસ સુધી દેશની સેવા કરવાની શક્તિ આપશે.
શક્તિ પર્વ નવરાત્રીના આ અવસર પર હું તમારી, દેશભરની માતૃશક્તિને એ વિશ્વાસ અપાવું છું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે હું વધારે સેવાભાવથી નિરંતર કામ કરતો રહીશ. તમારો હ્યદયથી આભાર.
Post a Comment