Gujarat ATS : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (NCB) ગુજરાત એટીએસ સાથે મળીને મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. અહીં 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ કેસમાં કાર્યવાહી કરતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ સામેની લડત માટે ટીમની પ્રશંસા કરી હતી.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે ડ્રગ્સ સામેની લડાઇમાં મોટી જીત માટે ગુજરાત એટીએસ અને એનસીબી, દિલ્હીને અભિનંદન. તાજેતરમાં જ તેમણે ભોપાલની એક ફેક્ટરીમાં દરોડા પાડીને એમડી અને એમડી બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી જપ્ત કરી હતી, જેની કુલ કિંમત 1814 કરોડ રૂપિયા છે.
આ સિદ્ધિ નશીલા દ્રવ્યોની દાણચોરી અને દુરુપયોગ સામે લડવા માટે આપણી કાયદા અમલીકરણ સંસ્થાઓનાં અથાગ પ્રયાસોની સાક્ષી પૂરે છે. આપણા સમાજના સ્વાસ્થ્ય અને સુરક્ષાની રક્ષામાં તેમના સહયોગી પ્રયત્નો મહત્વપૂર્ણ છે. આપણી એજન્સીઓનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. ચાલો આપણે ભારતને સૌથી સલામત અને સ્વસ્થ રાષ્ટ્ર બનાવવાના તેમના મિશનમાં ટેકો આપવાનું ચાલુ રાખીએ.
ફેક્ટરીમાં પાડ્યો હતો દરોડો
મીડિયા રિપોર્ટ પ્રમાણે 2500 ચોરસ વારના શેડમાં ચાલતી ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ગુજરાત એટીએસના અધિકારીઓ નંબર પ્લેટ વગરની ગાડીઓમાં આવી પહોંચ્યા હતા અને એનસીબી સાથે મળીને દરોડા પાડ્યા હતા. પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સાન્યાલ પ્રકાશ બાનેની અગાઉ 2017માં મુંબઈના અંબોલીમાં એમડી ડ્રગ્સના એક કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. પાંચ વર્ષ જેલમાં રહ્યા બાદ તેણે અમિત ચતુર્વેદી સાથે મળીને ગેરકાયદે ડ્રગ ઉત્પાદન શરૂ કર્યું હતું.
અધિકારીઓ કરી રહ્યા છે કેસની તપાસ
બંનેએ છ-સાત મહિના પહેલા બગરોડા ઔદ્યોગિક વિસ્તારમાં શેડ ભાડે લીધો હતો. અહીં જ તેમણે પ્રતિબંધિત સિન્થેટિક ડ્રગ મેફેડ્રોનને બનાવવા માટે કાચો માલ એકઠો કરવાનું શરૂ કર્યું હતું. ટીમે બીજી ઘણી વસ્તુઓ જપ્ત કરી છે. તેઓએ ગ્રાઇન્ડર, મોટર અને હીટર સહિતના તમામ સાધનો જપ્ત કર્યા છે. અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે કે આરોપીઓ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં કેટલા સમય સુધી સંડોવાયેલા હતા. ડ્રગ્સ ક્યાં વેચવામાં આવી રહ્યું હતું અને તેમાં ફંડિગનો સ્ત્રોત શું હતો. એટલું જ નહીં તેમાં વધુ કેટલા લોકો સામેલ હતા તેના પર પણ અધિકારીઓ નજર રાખી રહ્યા છે.
Post a Comment