Ambaji Road Accident, અંબાજી અકસ્માત : યાત્રાપીઠ અંબાજી નજીક આવેલા ત્રિસુળીયા ઘાટ પાસે બસ પલ્ટી ખાઈ જતા 6 લોકોના મોત નિપજ્યા છે. ત્યાં જ આ રોડ અકસ્માતમાં 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત આજે સવારે 10 વાગ્યાના સુમારે બન્યો હતો. જેમાં એક લગ્ઝરી બસ અંબાજીના ત્રિસુળીયા ઘાટ ખાતે પલ્ટી ખાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ઘટનાસ્થળે જ 4 લોકોના મોત નિપજ્યા હતા તો એક બાળકનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું ત્યાં જ એક યુવકે પણ પાલનપુર સિવિલમાં દમ તોડ્યો હતો. હાલમાં 35 જેટલા ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
આ ઘટનાની જાણકારી મળતા જ SP, DySP અને અંબાજી તથા દાંતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જે બાદ તમામ શ્રદ્ધાળુંઓને 108ની મદદથી પાલનપુર સિવિલ ખાતે ખસેડાયા હતા. તમને જણાવી દઈએ કે, આ પહેલા વર્ષ 2019માં પણ ત્રિસુળીયા ઘાટ ખાતે એક મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ખેડાના કઠલાલ તાલુકાની એક લગ્ઝરી બસમાં સવાર 22 લોકોના મોત નિપજ્યા હતા.
Post a Comment