IPL 2025, આઈપીએલ 2025 : બીસીસીઆઈ સચિવ જય શાહે આઈપીએલ 2025 ની હરાજી પહેલા એક મોટી જાહેરાત કરી છે. હવે આઇપીએલમાં રમનારા ખેલાડીઓને મેચ ફી પણ મળશે. એટલે કે હરાજીમાં ખેલાડીઓને જે પૈસા મળશે તે અલગ હશે જ્યારે તેમને મેચ ફી તરીકે વધારાની ચૂકવણી કરવામાં આવશે. બીસીસીઆઈ દ્વારા પણ આવું જ કરવામાં આવે છે, જે ખેલાડીઓને વાર્ષિક કરારના રૂપમાં પૈસા આપે છે, પરંતુ તેમને દરેક મેચ માટે મેચ ફી આપવામાં આવે છે. આઈપીએલ 2025 પહેલા બીસીસીઆઈ દ્વારા લેવામાં આવેલી આ એક મોટી પહેલ છે, જે ખેલાડીઓ માટે ખૂબ જ સારી છે.
ખેલાડીઓને દરેક મેચ માટે 7.5 લાખ રૂપિયા મળશે
જય શાહે એક્સ પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી હતી. તેમણે લખ્યું કે આઈપીએલમાં રમી રહેલા ખેલાડીઓ માટે ઐતિહાસિક પગલું ભરતા અમે અમારા ક્રિકેટરોને મેચ ફી તરીકે 7.5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરીએ છીએ. જે ખેલાડીઓ એક સિઝનમાં તમામ લીગ મેચો રમશે તેમને તેમની કોન્ટ્રાકની રકમ ઉપરાંત રુપિયા 1.05 કરોડ આપવામાં આવશે. સાથે જ જય શાહે કહ્યું કે દરેક ફ્રેંચાઇઝીને સિઝન માટે મેચ ફી તરીકે 12.60 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવશે, જે પર્સમાં રહેલી રકમથી અલગ હશે. આ આઈપીએલ અને આપણા ખેલાડીઓ માટે એક નવો યુગ છે.
જય શાહની જાહેરાતના મુખ્ય મુદ્દા
- ખેલાડીઓને દરેક મેચ માટે મેચ ફી તરીકે 7.5 લાખ રૂપિયા આપવામાં આવશે.
- બધી લીગ મેચ રમવા પર દરેક ખેલાડીને 1.05 કરોડ રૂપિયા મળશે.
- દરેક ફ્રેન્ચાઈઝીને મેચ ફી તરીકે 12.60 કરોડ રૂપિયા આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આઈપીએલની શરૂઆત 2008થી થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે 2024 સુધી ખેલાડીઓને એટલી જ રકમ આપવામાં આવતી હતી જેટલી તેમને કરારબદ્ધ કરવામાં આવી હતી. આ માટે ખેલાડીઓને અલગથી મેચ ફી આપવામાં આવી ન હતી, પણ આ જાહેરાત બાદ આઇપીએલમાં રમી રહેલા ખેલાડીઓને તેમની કરારબદ્ધ રકમ ઉપરાંત મેચ ફી પણ આપવામાં આવશે. આ તે ખેલાડીઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે જે ઓછા ભાવે વેચાય છે. એટલું જ નહીં તેનાથી આ લીગ પ્રત્યે ખેલાડીઓનો ઉત્સાહ વધશે.
Post a Comment