IPL Retentions Rules: આઈપીએલ ઓક્શન 2025 માટે નિયમ જાહેર, ફ્રેન્ચાઇઝી ટીમ આટલા ખેલાડી રિટેન કરી શકશે
IPL Auction 2025 Retentions Rules: આઇપીએલ ઓક્શન 2025 રિટેન્શનના નિયમ મુજબ વિદેશી ખેલાડીઓ મેગા હરાજી માટે રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તેઓ આવતા વર્ષે રમી શકશે નહીં.
IPL Auction 2025 Retentions Rules: આઈપીએલ 2025 મેગા ઓક્શન માટે બીસીસીઆઈ દ્વારા નિયમ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ની ઈન્ડિયન પ્રીમિયર લીગ ગવર્નિંગ કાઉન્સિલે શનિવાર 28 સપ્ટેમ્બરના રોજ આઈપીએલ 2025 ની આગામી સિઝન માટે ખેલાડીઓને જાળવી રાખવા માટેના નિયમોની જાહેરાત કરી હતી.
બીસીસીઆઈના નવા નિયમ મુજબ 10 આઈપીએલ ફ્રેંચાઈઝીને પોતાની હાલની ટીમમાંથી કુલ 6 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપવામાં આવશે. રિટેન્શન અથવા રાઇટ ટુ મેચ (આરટીએમ) વિકલ્પનો ઉપયોગ કરીને આ કરી શકાય છે.
જોકે વિદેશી ખેલાડીઓ માટે આઘાતજનક સમાચાર એ છે કે, જો તેઓ આઈપએલ મેગા ઓક્શનમાં રજિસ્ટ્રેશન નહિ કરાવે તો તેઓ આવતા વર્ષે પણ આઇપીએલ રમી શકશે નહિ. આ ઉપરાંત ઓક્શનમાં પસંદગી થયા બાદ સિઝન પહેલા પોતાને અનુપલબ્ધ બનાવનાર ખેલાડી 2 વર્ષ સુધી રમી શકશે નહીં. વર્ષ 2022માં જ્યારે મેગા ઓક્શન થયુ હતુ ત્યારે ટીમોને 4 ખેલાડીઓને રિટેન કરવાની છૂટ આપવામાં આવી હતી. આમાં 3 ભારતીય અને 2 વિદેશી ખેલાડી હોઈ શકે છે. આ ઉપરાંત ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ કમસેકમ આગામી 3 સિઝન સુધી જારી રહેશે. હરાજી ક્યારે અને ક્યાં થશે તેની જાહેરાત કરવામાં આવી નથી.
આઇપીએલ 2025 મેગા હરાજી સાથે સંબંધિત 8 નિર્ણયો
- આઇપીએલ ફ્રેન્ચાઈઝીઓ તેમની હાલની ટીમના કુલ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. આ કામ રિટેન્શન અથવા રાઇટ ટુ મેચ (આરટીએમ) વિકલ્પનો ઉપયોગ કરીને કરી શકાય છે.
- રિટેન્શન અને આરટીએમ માટે તેમના સંયોજનની પસંદગી આઈપીએલ ફ્રેન્ચાઇઝીની વિવેકબુદ્ધિ પર છે. 6 રિટેન્શન / આરટીએમમાં 5 કેપ્ડ પ્લેયર્સ (ભારતીય અને ઓવરસીઝ) અને 2 અનકેપ્ડ પ્લેયર્સ હોઈ શકે છે.
- આઈપીએલ 2025 માટે ફ્રેન્ચાઇઝીઓ માટે ઓક્શન પર્સ 120 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, જે ગત ઓક્શન કરતા 20 કરોડ રૂપિયા વધારે છે. હવે કુલ સેલેરી કેપમાં ઓક્શન પર્સ, ઇન્ક્રીમેન્ટલ પર્ફોમન્સ પે અને મેચ ફી સામેલ હશે. અગાઉ 2024માં, કુલ સેલેરી કેપ (ઓક્શન પર્સ + ઇન્ક્રીમેન્ટલ પરફોર્મન્સ પે) 110 કરોડ રૂપિયા હતી, જે હવે 146 કરોડ રૂપિયા (2025), 151 કરોડ રૂપિયા (2026) અને 157 કરોડ રૂપિયા (2027) હશે.
- આઇપીએલના ઈતિહાસમાં પહેલી વખત મેચ ફીની શરુઆત કરવામાં આવી છે. પ્રત્યેક ખેલાડી (ઇમ્પેક્ટ પ્લેયર સહિત)ને પ્રત્યેક મેચ દીઠ રુપિયા 7.5 લાખની મેચ ફી મળશે. આ તેની કરારબદ્ધ રકમ ઉપરાંતની હશે.
- કોઈપણ વિદેશી ખેલાડીએ મોટી હરાજી માટે નોંધણી કરાવવી પડશે. જો વિદેશી ખેલાડી રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તે આવતા વર્ષે યોજાનારી ખેલાડીઓની હરાજીમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે અયોગ્ય ગણાશે.
- જે પણ ખેલાડી આપીએલ ઓક્શનમાં રજિસ્ટ્રેશન કરાવે છે અને સિલેક્ટ થયા બાદ સિઝનની શરૂઆત પહેલા પોતાને અનુપલબ્ધ બનાવશે તો તેના પર ટૂર્નામેન્ટ અને હરાજીમાં ભાગ લેવા પર 2 સિઝન માટે પ્રતિબંધ રહેશે.
- જો કોઈ ભારતીય ખેલાડી સંબંધિત સિઝનના આયોજન પહેલાના છેલ્લા પાંચ કેલેન્ડર વર્ષોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (ટેસ્ટ મેચ, વન ડે, ટી-20 ઈન્ટરનેશનલ)માં પ્લેઈંગ 11માં ન રહ્યો હોય અથવા બીસીસીઆઈ સાથે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ન ધરાવતો હોય તો તે અનકેપ્ડ ખેલાડી હશે. આ માત્ર ભારતીય ખેલાડીઓ માટે જ લાગુ થશે.
- ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ 2025 થી 2027 માટે ચાલુ રહેશે.
Post a Comment