ICC Test rankings : આઈસીસીએ બુધવારે તાજા ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યા છે. બાંગ્લાદેશ સામેની ચેન્નાઈ ટેસ્ટ મેચમાં જીત બાદ ભારતીય ખેલાડીઓની રેન્કિંગમાં પણ ફેરફાર થયો છે. હાલના ટેસ્ટ રેન્કિંગમાં ભારતના આક્રમક વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતને મોટો ફાયદો થયો છે. બીજી તરફ વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માને રેન્કિંગમાં નુકસાન થયું છે.
ઋષભ પંત ટોપ 6માં પહોંચ્યો
ભારતીય વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતે 20 મહિના બાદ ટેસ્ટ ટીમમાં પુનરાગમન કર્યું હતું. તેણે બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. આ ઈનિંગના કારણે તેને ફરી એકવાર ટોપ 10માં એન્ટ્રી મળી છે. પંત હાલમાં ટોચના ટેસ્ટ બેટ્સમેનોમાં છઠ્ઠા ક્રમે છે. તેના સિવાય યશસ્વી જયસ્વાલ પાંચમા સ્થાને પહોંચી ગયો છે. હાલમાં તે રેન્કિંગમાં ભારતનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. જયસ્વાલે બાંગ્લાદેશ સામે અડધી સદી ફટકારી હતી.
કોહલી ટોપ 10 માંથી બહાર
વિરાટ કોહલી ચેન્નઈ ટેસ્ટમાં ફ્લોપ સાબિત થયો હતો. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 6 અને બીજી ઇનિંગ્સમાં 17 રન બનાવ્યા હતા. કોહલી પાંચ સ્થાન નીચે સરકી ગયો છે અને હવે તે ટોપ 10માંથી બહાર થઈ ગયો છે. કોહલી હાલ 12માં ક્રમે છે. આ સાથે જ બાંગ્લાદેશની બંને ઈનિંગમાં કુલ 11 રન બનાવનાર કેપ્ટન રોહિત શર્માને પણ નુકસાન થયું છે. રોહિત 10માં સ્થાને છે.
બીજી તરફ ચેન્નાઇ ટેસ્ટમાં સદી ફટકારનાર શુભમન ગિલને પાંચ સ્થાનનો ફાયદો થયો છે અને તે 14માં સ્થાને પહોંચી ગયો છે.
આ પણ વાંચો – ગુજરાતના આ ખેલાડીએ 498 રન ફટકાર્યા, 7 સિક્સર અને 86 ફોર ફટકારી
રુટ પ્રથમ સ્થાને
ઇંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન જો રૂટ ટેસ્ટ બેટ્સમેનોમાં પ્રથમ સ્થાને છે. તેના ખાતામાં 899 રેટિંગ પોઇન્ટ છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમ્સન 852 રેટિંગ પોઇન્ટ બીજા અને તેનો જોડીદાર ડેરિલ મિશેલ (760) ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ છે. તેના 757 પોઇન્ટ છે.
Post a Comment