Drona Desai 498 runs in school cricket Gujarat: અઢાર વર્ષના દ્રોણ દેસાઈએ 24 સપ્ટેમ્બર 2024ના રોજ ગાંધીનગરના શિવાય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દિવાન બલ્લુભાઈ કપ અંડર -19 મલ્ટી-ડે ટૂર્નામેન્ટ દરમિયાન જેએલ ઇંગ્લિશ સ્કૂલ સામે પોતાની શાળા સેન્ટ ઝેવિયર્સ (લોયોલા) તરફથી રમતા 498 રન બનાવીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. આ વાર્ષિક ટૂર્નામેન્ટનું આયોજન સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા કરવામાં આવે છે.
દ્રોણ દેસાઈ આટલો મોટો સ્કોર બનાવનાર દેશનો છઠ્ઠો બેટ્સમેન
આ બોર્ડ ગુજરાત ક્રિકેટ એસોસિએશન અંતર્ગત આવે છે. દ્રોણ દેસાઈ દેશનો છઠ્ઠો એવો બેટ્સમેન છે કે, જેણે આટલો મોટો સ્કોર કર્યો છે. તેના પહેલા એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનોમાં પ્રણવ ધનાવડે (અણનમ 1009), પૃથ્વી શૉ (546), ડો.હવેવાલા (515), ચમન લાલ (અણનમ 506) અને અરમાન જાફર (498)નો સમાવેશ થાય છે.
દ્રોણ દેસાઈ 7 સિક્સર અને 86 ફોર ફટકારી
દ્રોણ દેસાઈએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તે એ વાતથી નિરાશ છે કે તે 500 રનનો આંક ચૂકી ગયો હતો, કારણ કે તેને ખબર ન હતી કે તે આ માઈલસ્ટોનની આટલી નજીક છે. મેદાનમાં કોઈ સ્કોરબોર્ડ ન હતું અને મારી ટીમે મને જાણ કરી ન હતી કે હું 498 રન પર બેટિંગ કરી રહ્યો છું. હું મારો સ્ટ્રોક રમવા ગયો અને આઉટ થયો હતો, પરંતુ હું ખુશ છું કે હું આટલા રન બનાવવામાં સફળ રહ્યો. દ્રોણ દેસાઈએ તેની 320 બોલની ઈનિંગ્સ દરમિયાન 7 સિક્સર અને 86 ફોર ફટકારી હતી.
આ પણ વાંચો – સચિન તેંડુલકરે 200 ટેસ્ટમા જે રેકોર્ડ બનાવ્યો તેને અશ્વિને 101 મેચમાં જ તોડી નાખ્યો
દ્રોણ દેસાઈની ટીમે એક ઇનિંગ્સ અને 712 રનથી જીત મેળવી
દ્રોણ દેસાઈની ટીમે જેએલ ઇંગ્લિશ સ્કૂલ સામે એક ઇનિંગ્સ અને 712 રનથી જીત મેળવી હતી. જેએલ ઇંગ્લિશ સ્કૂલે આખી મેચ દસ ખેલાડીઓ સાથે રમી હતી કારણ કે તેમનો એક ખેલાડી લેટ આવ્યો હતો. ત્રીજા નંબરે રમતો દ્રોણ દેસાઈ ગુજરાતની અંડર-14 ટીમ તરફથી રમી ચૂક્યા છે. હવે તેને રાજ્યની અંડર-19 ટીમમાં સ્થાન મળવાની આશા છે. તેનું કહેવું છે કે સચિન તેંડુલકરને બેટિંગ કરતા જોયા પછી તે આ રમતમાં ભાગ લેવા માટે પ્રેરિત થયો હતો.
સાત વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું
દ્રોણ દેસાઇએ કહ્યું કે મેં સાત વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને મારા પિતાએ મને ખૂબ પ્રેરણા આપી હતી. તેમને લાગ્યું કે મારામાં એક સારો ક્રિકેટર બનવાની ક્ષમતા છે. તેઓ મને જેપી સર (જયપ્રકાશ પટેલ) પાસે લઈ ગયા હતા. જેમણે 40થી વધુ ક્રિકેટરોને કોચિંગ આપ્યું હતું. એવી સ્થિતિ હતી કે ધોરણ 8થી 12 સુધી હું માત્ર મારી પરીક્ષા માટે જ સ્કૂલે જતો હતો. મેં ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું. આશા રાખું છું કે, એક દિવસ હું એક મોટું નામ બનાવીશ.
Post a Comment