Ind vs Ban 1st Test Match, ભારત વિ. બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટ : ભારતે ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. આ મેચમાં આર અશ્વિને ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. અશ્વિન હવે ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ (બંને મળીને)ના ટાઇટલ જીતનાર ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. આ ઉપરાંત અશ્વિને પ્રથમ ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ વિરાટ કોહલી, અનિલ કુંબલે અને રવિન્દ્ર જાડેજાની પણ બરાબરી કરી લીધી હતી.
અશ્વિને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
અશ્વિને શાનદાર પ્રદર્શન કરીને 101મી ટેસ્ટ મેચને યાદગાર બનાવી હતી અને બાંગ્લાદેશ સામે ઐતિહાસિક દેખાવ કર્યો હતો. પ્રથમ ઇનિંગમાં તેણે ટીમ માટે 113 રન બનાવ્યા હતા અને બોલિંગમાં પણ કમાલનું પ્રદર્શન કર્યું હતું. તેને પ્રથમ ઈનિંગમાં કોઈ વિકેટ મળી ન હતી, પરંતુ બીજી ઈનિંગમાં તેણે 21 ઓવરમાં 88 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેના પ્રદર્શનના આધારે તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
સચિન તેંડુલકરે 200 ટેસ્ટ મેચ દરમિયાન 19 વખત મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝનોએવોર્ડ મેળવ્યો હતો. અશ્વિને 101મી ટેસ્ટ મેચમાં જ સચિનને પાછળ છોડી દીધો હતો. અશ્વિને ટેસ્ટ કારકિર્દીની 101 મેચોમાં 20 વખત મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો છે. આ લિસ્ટમાં રાહુલ દ્રવિડ ત્રીજા, અનિલ કુંબલે ચોથા, જ્યારે સહેવાગ અને કોહલી સંયુક્ત રીતે 5માં નંબર પર છે.
ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ બનનાર ખેલાડીઓ
- 20 – આર અશ્વિન
- 19 – સચિન તેંડુલકર
- 15 – રાહુલ દ્રવિડ
- 14 – અનિલ કુંબલે
- 13 – વીરેન્દ્ર સેહવાગ
- 13 – વિરાટ કોહલી
અશ્વિને કોહલી, જાડેજા અને કુંબલેની બરાબરી કરી
અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 10મી વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતીને રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી અને અનિલ કુંબલેની બરાબરી કરી હતી. આ ત્રણેય ખેલાડીઓએ ટેસ્ટમાં 10-10 વખત આ એવોર્ડ જીત્યા છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકર પહેલા નંબર પર જ્યારે રાહુલ દ્રવિડ બીજા નંબર પર છે. અશ્વિન હવે જાડેજા, કોહલી અને કુમ્બલે સાથે સંયુક્તપણે ત્રીજા સ્થાને આવી ગયો છે.
ટેસ્ટ મેચોમાં ભારત માટે સૌથી વધુ મેન ઓફ ધ મેચ એવોર્ડ
- 14 – સચિન તેંડુલકર
- 11 – રાહુલ દ્રવિડ
- 10 – આર અશ્વિન
- 10 – રવિન્દ્ર જાડેજા
- 10 – વિરાટ કોહલી
- 10 – અનિલ કુંબલે
Post a Comment